Skip to content

Search

Latest Stories

ઇમિગ્રેશન નીતિઓને કારણે DHS એરપોર્ટ પર કસ્ટમ્સ સેવાઓમાં કાપ મૂકી શકે છે

આ દરખાસ્ત JFK સહિતના મુખ્ય એરપોર્ટને અસર કરી શકે છે

ઇમિગ્રેશન નીતિઓને કારણે DHS એરપોર્ટ પર કસ્ટમ્સ સેવાઓમાં કાપ મૂકી શકે છે

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એવા શહેરોના એરપોર્ટ પર કસ્ટમ્સ સેવાઓમાં કાપ મૂકવા અંગે વિચારણા કરી રહ્યું છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિઓનું પાલન કરતા નથી.

iStock

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એવા શહેરોના એરપોર્ટ પર કસ્ટમ્સ પ્રોસેસિંગ સેવાઓ ઘટાડવા અંગે વિચારણા કરી રહ્યું છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિઓનું પાલન નથી કરતા. આ દરખાસ્ત જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ (JFK), નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વોશિંગ્ટન ડલ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના મુખ્ય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરીને અસર કરી શકે છે.

'ધ ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, આ યોજનામાં આંતરરાષ્ટ્રીય મુસાફરોના પાસપોર્ટ ચેકિંગ અને સામાનના નિરીક્ષણ માટે જવાબદાર યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના સ્ટાફમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે. આ દરમિયાન, ઉદ્યોગના પ્રતિનિધિઓ અનુસાર, જો સ્ટાફનું સ્તર ઘટશે તો એરલાઇન્સે ફ્લાઇટ્સ રદ કરવી પડશે અથવા તેમના રૂટ બદલવા પડી શકે છે.


મુખ્ય યુ.એસ. એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા 'એરલાઇન્સ ફોર અમેરિકા' એ ચેતવણી આપી છે કે આ પગલાથી એરલાઇન્સ અને મુસાફરો માટે કામગીરી સંબંધી મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ટાઇમ્સના જણાવ્યા અનુસાર, આ જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુખ્ય એરપોર્ટ પર CBP સ્ટાફ ઘટાડવાની એરલાઇન અને પ્રવાસન ઉદ્યોગો પર વિનાશક અસર પડશે, જેનાથી એરલાઇન્સ, મુસાફરો અને આંતરરાષ્ટ્રીય કાર્ગો (માલસામાન) ની અવરજવરને મોટી કામગીરી સંબંધી અડચણોનો સામનો કરવો પડશે."

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેઇન મુલિને (Markwayne Mullin) યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા આયોજિત ૧૩ મેની એક બેઠક દરમિયાન આ દરખાસ્ત અંગે ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં એરલાઇન અને હોટેલના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ ચર્ચાઓથી વાકેફ બે લોકોએ જણાવ્યું હતું કે ઓરેગોનનું પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટાફના કાપથી પ્રભાવિત થનારા પ્રથમ એરપોર્ટમાં સામેલ હોઈ શકે છે. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે ન્યૂયોર્કનું JFK એરપોર્ટ પણ આ વિચારણા હેઠળ છે.

યુએસટીએ (USTA) એ જણાવ્યું કે તે વિભાગ સાથે મુસાફરીની બાબતો અંગે ચર્ચા કરી રહ્યું છે.

એસોસિએશને જણાવ્યું હતું કે, "સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આવતા તમામ મુસાફરો માટે, અમે તમામ સ્તરની સરકારોને એવી નીતિઓ અપનાવવાની વિનંતી કરીએ છીએ જે કાયદેસરના મુસાફરોની મુક્ત અને કાર્યક્ષમ અવરજવરને પ્રોત્સાહન આપે."

'ધ એટલાન્ટિક' એ અગાઉ પ્રવાસન ઉદ્યોગના અધિકારીઓ સાથેની મે મહિનાની બેઠકની વિગતો જાહેર કરી હતી. ક્રિસ્ટી નોએમ (Kristi Noem) પછી માર્ચમાં હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી બનેલા મુલિને ગયા મહિને ફોક્સ ન્યૂઝના

એક ઇન્ટરવ્યુમાં આ વિચારનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે જે શહેરો વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિઓનું પાલન નથી કરી રહ્યા, તેમને વિભાગની સેવાઓ મળવી જોઈએ નહીં.

DHS ના એક પ્રતિનિધિએ જ્યારે આ દરખાસ્ત વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુલિનની ફોક્સ ન્યૂઝની ટિપ્પણીઓનો હવાલો આપ્યો હતો.

ઉદ્યોગના અધિકારીઓ અને વહીવટી સભ્યોએ જણાવ્યું હતું કે મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ કામગીરી ઘટાડવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર અને યુ.એસ.માં આવતા કાર્ગો પર અસર પડી શકે છે. JFK જેવા એરપોર્ટ નાના શહેરોમાં કનેક્ટિંગ ફ્લાઇટ પકડતા મુસાફરો માટે ટ્રાન્સફર હબ તરીકે પણ કામ કરે છે, જેનાથી સમગ્ર એવિએશન નેટવર્કમાં મોટા વિક્ષેપોની ચિંતા વધી ગઈ છે.

ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીને (Sean Duffy) ગુરુવારે સંસદીય સુનાવણી દરમિયાન આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે તેઓ મુલિનની ટિપ્પણીઓથી વાકેફ નહોતા અને તેઓ આ બાબતે તેમની સાથે ચર્ચા કરવા માંગે છે.

તે જ સમયે, ડફીએ કહ્યું કે સરકારે એવા રાજ્યમાં હવાઈ મુસાફરી બંધ ન કરવી જોઈએ જે તેની રાજનીતિ સાથે સહમત ન હોય. તેમણે ઉમેર્યું કે સરકારો બદલાતી રહે છે અને આવી નીતિ ભવિષ્યની કોઈ સરકાર હેઠળ આગળ ચાલુ રહેવાની શક્યતા નથી.

માર્ચમાં 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલમાં જણાવાયું હતું કે ૨૦૨૫ના પ્રથમ આઠ મહિનામાં યુ.એસ.માં કાયદેસર ઇમિગ્રેશન (સ્થળાંતર) ઘટ્યું હતું, જેમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિઝા નીતિઓ કડક કરવામાં આવતા ભારત અને ચીન સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ હતા. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ૨૦૨૪ના સમાન ગાળાની સરખામણીમાં આશરે ૨,૫૦,૦૦૦ ઓછા વિઝા જારી કર્યા હતા.

માર્ચની શરૂઆતમાં જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓને ટાંકીને પોસ્ટે અહેવાલ આપ્યો છે કે કાયમી અને કામચલાઉ વિઝાની મંજૂરીઓમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે.

More for you