નાણાકીય વર્ષ 2022 માટે ડીએસએસ, ડીએચએલ દ્વારા વધુ 20 હજાર એચ-2બી વીઝા મંજૂર

નિર્ણયથી કામદારોની અછતમાં રાહત મળવાની ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સંગઠનોને આશા

0
1396
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા નાણાકીય વર્ષ 2022 માટે હંગામી બિનખેતી કામદારો માટે વધુ 20 હજાર એચ-ટુબી વીઝા મંજૂર કરવામાં આવ્યા છે. ડીએચએસ સેક્રેટરી અલેજાન્ડ્રો મોયરકાસ કહે છે કે વધારાના વીઝાને કારણે દેશના અર્થતંત્રના સુધારાને વેગ મળશે.

સોમવારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા વધારાના 20 હજાર વીઝા માટે મંજૂરી આપવામાં આવી છે. આ એચ-ટુબી વીઝા હંગામી બિનખેતી કામદારો માટે નાણાકીય વર્ષ 2022 માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સંગઠનોને આશા છે કે વીઝા વધારાતા ક્ષેત્રમાં કામદારોની અછતની સમસ્યાથી આંશિક રાહત મળી શકશે.

નવા વિઝા, હેઠળ નોકરીદાતાઓ અમેરિકામાં બિનનિવાસીઓને કામચલાઉ ધોરણે બોલાવીને ચોક્કસ પ્રકારના કામ માટે બોલાવી શકશે, તેમ એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું. અમેરિકાના નોકરીદાતાઓ માર્ચ 31 પહેલા અથવા ત્યાં સુધી આ વીઝા હેઠળ વિદેશથી કામદારોને નોકરીએ બોલાવી શકશે.

આ પૂરક એચ-ટુબી વીઝા ફાળવણીમાં 13,500 વીઝા એવા કામદારો માટે પણ છે કે જેમણે અગાઉ એચ-ટુબી વીઝા મેળવ્યા છે અથવા એચ-ટુબી સ્ટેટ્સ હાંસલ કર્યું છે, જે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષના સમયગાળા દરમિયાન હોવું જોઇએ. બાકીના 6500 વીઝા જરૂરિયાત અનુસાર ફરીથી કામે આવનારાઓ માટે અને હૈતિની સાથે નોર્થન ટ્રાયએન્ગલ દેશ હોન્ડુરાસ, ગ્યુએન્ટેમાલા અને અલસાલ્વાડોર વગેરે માટે આરક્ષિત છે.

ડીએચએસ સેક્ર્ટેરી અલેજાન્ડ્રો માયોરકાસે કહ્યું હતું કે હાલના સમયે જ્યારે નોકરીઓની તકો વધી છે ત્યારે વધારાના એચ-ટુબી વીઝાને કારણે દેશના અર્થતંત્રના સુધારાને પણ વેગ મળી શકશે.

આ વીઝા સંસ્થાઓના નિયમોને આધિન રહીને સરકારના સંબંધિત વિભાગના નિર્ણય અનુસાર ફાળવાશે.

આ અંગે ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ રોજર્સે કહ્યું હતું કે વધારાના વીઝાની ખરેખર જરૂર હતી.

રોજર્સે કહ્યું હતું કે આજની જાહેરાત એ ખરેખર સારા સમાચાર છે, ખાસ કરીને જ્યારે લોજિંગ ઇન્ડસ્ટ્રી અને ઘણાં અન્ય દેશ કામદારોની અછતની સમસ્યાથી પરેશાન છે. હોટેલ ઇન્ડસ્ટ્રી માટે હાલ તો ખાલી જગ્યાઓ ભરવી એ મોખરાની પ્રાથમિકતા છે. અને એચ-ટુબી વીઝાને કારણે હોટેલ તથા અન્ય ઉદ્યોગોને પણ રાહત મળી શકશે.

યુએસ ટ્રાવેલ એસોસિએશન દ્વારા પણ એચ-ટુબી વીઝા અંગેની નવી જાહેરાત આવકારવામાં આવી છે તેમ ટોરી એમર્સન બર્ન્સે કહ્યું હતું. યુએસટીએના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ અને પોલિસી ટોરીએ એક નિવેદનમાં આ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું હતું કે હાલના સમયે કામદારોની ખૂબ અછતનો સામનો હોટેલ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સહિત અન્ય ઉદ્યોગોને પણ અમેરિકામાં કરવો પડી રહ્યો છે.

એસટીઆર દ્વારા તાજેતરમાં જણાવાયું હતું કે લેબર કોસ્ટની અસર હોસ્પિટાલિટી પોર્ટફોલિયોને ભારે અસર કરી શકે તેમ છે.