અમેરિકી સેનેટે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) ના કર્મચારીઓ માટે ભંડોળ જાહેર કરવા માટે કાયદો પસાર કર્યો છે, જેઓ ઇમિગ્રેશન ફંડિંગ અંગે વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદને કારણે પાંચ અઠવાડિયાથી પગાર વગર હતા. આ બિલ હવે અંતિમ વિચારણા માટે 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (નીચલા ગૃહ) માં જશે.
શુક્રવારનું આ બિલ, જે રાતોરાત થયેલા દુર્લભ મતદાનમાં પસાર થયું હતું, તે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) ના મોટાભાગના વિભાગો માટે ભંડોળ પૂરું પાડે છે, જેમાં TSA અને યુએસ કોસ્ટ ગાર્ડનો સમાવેશ થાય છે. જોકે, CNN ના જણાવ્યા અનુસાર, તેમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) તેમજ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અમુક ભાગો માટેનું ભંડોળ રોકી રાખવામાં આવ્યું છે.
સેનેટના બહુમતી નેતા ચક શુમરે સર્વસંમતિથી પસાર થયેલા આ ફંડિંગ પેકેજનું સ્વાગત કર્યું હતું, પરંતુ ઉમેર્યું હતું કે જો રિપબ્લિકન પક્ષે આડખીલી ન કરી હોત તો "આ કામ અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું હોત."
ન્યૂઝવીકના અહેવાલ મુજબ તેમણે જણાવ્યું હતું કે, "ડોનાલ્ડ ટ્રમ્પની જોહુકમી અને ઘાતક મિલિશિયાને ગંભીર સુધારા વિના વધુ ભંડોળ ન મળવું જોઈએ એવા અમારા વિરોધમાં ડેમોક્રેટ્સ મક્કમ રહ્યા હતા અને અમે તે સુધારા માટે લડત ચાલુ રાખીશું."
ઇમિગ્રેશન અમલીકરણ સુધારા અંગે કોંગ્રેસ સંમત ન થવાને કારણે 13 ફેબ્રુઆરીએ DHS નું ભંડોળ સમાપ્ત થઈ ગયું હતું. પ્રમુખ ટ્રમ્પ દ્વારા મુખ્યત્વે ડેમોક્રેટ-શાસિત શહેરોમાં ફેડરલ એજન્ટોની તૈનાતીના વિરોધમાં ડેમોક્રેટ્સે શરૂઆતમાં આ ભંડોળ રોક્યું હતું.
હાઉસ સ્પીકર માઈક જ્હોનસન પર આ પ્રસ્તાવ ગૃહમાં રજૂ થાય તે પહેલા કેટલાક રૂઢિચુસ્તો દ્વારા ફેરફારો કરવાનું દબાણ છે, અને રિપબ્લિકન નેતાઓએ તેને પસાર કરવાની કોઈ યોજનાનો સંકેત આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે TSA દરરોજ લાખો મુસાફરોનું સ્ક્રિનિંગ કરે છે અને તે અમેરિકી એવિએશન સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. DHS એ જણાવ્યું કે શટડાઉન શરૂ થયા પછી સેંકડો અધિકારીઓએ એજન્સી છોડી દીધી છે.
અમેરિકન હોટલ એન્ડ લોજિંગ એસોસિએશને (AHLA) સરકારી શટડાઉનનો અંત લાવવા માટે સેનેટના પગલાની પ્રશંસા કરી અને ગૃહને આ બિલ પ્રમુખ પાસે મોકલવા વિનંતી કરી. AHLA ના પ્રમુખ અને CEO રોઝાના મેટાએ જણાવ્યું હતું કે, "લાંબા સમયથી TSA કર્મચારીઓને પગાર વિના કામ કરવાની ફરજ પાડવામાં આવી છે, જે આ આવશ્યક કામદારો પર અન્યાયી બોજ નાખે છે અને સમગ્ર પ્રવાસ વ્યવસ્થાને પ્રભાવિત કરે છે. એરપોર્ટ પર સુરક્ષાની લાંબી લાઈનોને કારણે હજારો ફ્લાઈટ્સ ચૂકી જવાય છે અને મુસાફરીમાં વિક્ષેપ પડે છે, જે મુસાફરો અને વ્યવસાયો પર વ્યાપક અસર કરે છે. અમે હવે ગૃહને ઝડપથી કાર્યવાહી કરવા અને પ્રમુખ ટ્રમ્પને વિલંબ કર્યા વિના આ બિલ પર હસ્તાક્ષર કરવા વિનંતી કરીએ છીએ."
જો શટડાઉન સમાપ્ત થાય તો પણ, યુનિયનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે TSA સ્ટાફિંગને સામાન્ય થવામાં દિવસો કે અઠવાડિયા લાગી શકે છે, તેથી કેટલાક યુએસ એરપોર્ટ પર સુરક્ષાની લાંબી લાઈનો તાત્કાલિક અદૃશ્ય થશે નહીં.
સરકારી શટડાઉનને કારણે એરપોર્ટની કામગીરી અટકી જતાં સમગ્ર અમેરિકામાં હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ છે. TSA અધિકારીઓ પગાર વિના કામ કરી રહ્યા છે, જેના કારણે સ્ટાફની અછત અને લાંબી લાઈનો સર્જાઈ છે. પ્રમુખ ટ્રમ્પે સોમવારથી એરપોર્ટ પર TSA અધિકારીઓને મદદ કરવા માટે ICE એજન્ટો તૈનાત કર્યા હતા.





