નોબલ દ્વારા જ્યોર્જિયાના સાવન્નાહમાં બે હોટેલ હસ્તગત કરવામાં આવી

ગત એક વર્ષ દરમિયાન કંપની દ્વારા હોટેલ ક્ષેત્રે ક બિલિયન ડોલરથી વધુનું મૂડીરોકાણ કરવામાં આવ્યું

0
774
ધી હેમ્પ્ટન ઇન સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રીક્ટ, ડાબે, અને જ્યોર્જિયાના સાવન્નાહ ખાતે આવેલી હોલિડે ઈન એક્સપ્રેસ સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ જેને તાજેતરમાં સીઈઓ મિત શાહના વડપણ હેઠળના નોબલ ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવી છે.

નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા તાજેતરમાં જ્યોર્જિયાના સાવન્નાહ ખાતે બે હોટેલ હસ્તગત કરવામાં આવી છે. જેમાં હેમ્પ્ટન ઇન સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ અને હોલિડે ઇન એક્સપ્રેસ સાવન્નાહ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટનો  સમાવેશ થાય છે.

એટલાન્ટા ખાતેના નોબલ ગ્રુપનું સંચાલન સીઈઓ તરીકે મિત શાહના વડપણ હેઠળ થાય છે. સાવન્નાહ ડિસ્ટ્રિક્ટમાં પોતાની હાજરી મજબૂત બનાવવા માટે આ બે હોટલ હસ્તગત કરવામાં આવી છે. તાજેતરમાં ટ્રાવેલ પ્લસ લેઇઝર મેગેઝિનમાં આ શહેરનો સમાવેશ અમેરિકાના ટોચના ત્રણ શહેરોમાં થયો હતો. જ્યારે ટાઈમના ધી વર્લ્ડસ ગ્રેટેસ્ટ પ્લેસીસ ઓફ 2021 યાદીમાં પણ આ શહેરનો સમાવેશ કરાયો છે. આ શહેરના ઐતિહાસિક મૂલ્યને ધ્યાનમાં રાખીને ગ્રુપ દ્વારા પોતાની હાજરી મજબૂત બનાવાઈ છે.

સાત માળ અને 143 રૂમ ધરાવતી હોલિડે ઇન એક્સપ્રેસ 2765 સ્કેવર ફિટ વિસ્તારનો મીટીંગ સ્પેસ, રૂફટોપ પૂલ અને લોબીમાં પોર્ટ રોયલ ટેવર્ન ધરાવે છે. 147 રૂમવાળી હેમ્પ્ટન ઇન ખાતે આઉટડોર પૂલ, ફિટનેસ સેન્ટર અને બીઝનેસ સેન્ટરનો સમાવેશ થાય છે.

આ ઐતિહાસિક ડિસ્ટ્રિક્ટમાં આ હોટેલના આસપાસના વિસ્તારોમાં મ્યુઝિયમ, ઐતિહાસિક સ્મારકો, મેન્શન અને સિવિલ વોર તથા ક્રાંતિના સમયના સ્મારકો આવેલા છે. બંને હોટેલ સાવન્નાહ નદીના કાંઠે ઇસ્ટ બે સ્ટ્રીટમાં સાવન્નાહ કન્વેન્શન સેન્ટર અને રિવર સ્ટ્રીટ શોપિંગ તથા મનોરંજનના વિસ્તારને અડીને આવેલી છે.

નોબલ ગ્રુપ અગાઉ પણ સાવન્નાહ ખાતે હોટેલ ધરાવતું હતું. જોકે આ બે નહી હોટેલના હસ્તગત કરવાને પગલે અહીં તેમણે આ ક્ષેત્રે ફરી પ્રવેશ કર્યો છે.

આ અંગે મિત શાહ કહે છે કે છેલ્લાં 12 મહિના દરમિયાન નોબલ ગ્રુપ દ્વારા હોટેલ ક્ષેત્રે એક બિલિયન ડોલરથી વધારેનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. સાવન્નાહ સહિતના ઐતિહાસિક શહેરોમાં જૂથ પોતાની હાજરી મજબૂત બનાવી રહ્યું છે.

ડિસેમ્બરમાં નોબલ દ્વારા નવી બનેલી રેસિડેન્સ ઈન બાય મેરિયટ ચાર્લોટ્સવિલે ડાઉનટાઉન, હયાત હાઉસ ટલાહાસી કેપિટલ યુનિવર્સિટી અને હેમ્પ્ટન ઇન એન્ડ સ્યુટ્સ ટાલાહાસી કેપિટલ ખાતે હોટેલ હસ્તગત કરવામાં આવી હતી.  શાહ કહે છે કે હાલમાં જ્યારે બિઝનેસ અને લેઇઝર પ્રવાસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હોટેલો મજબૂત રીતે વધી રહેલા માર્કેટમાં પ્રવેશી છે.

ધી રેસિડેન્સ ઈન હોટેલ એ વર્જિનિયા રાજ્યના ચાર્લોટ્સવિલે ખાતે 27000 જેટલા વિદ્યાર્થીઓથી ધમધમતી યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, 163 પથારીવાળી યુવીએ મેડિકલ સેન્ટર અને થોમસ જેફરસન્સના મોન્ટીસેલો ખાતેના ઘર તથા મોન્ટીસેલો વાઇન ટ્રેઇલની નજીક આવેલી છે. ધી હયાત હાઉસ અને હેમ્પ્ટન ઇન એન્ડ સ્યુટ્સ ટલાહાસી, ફ્લોરિડા ખાતે સ્ટેટ કેપિટલમાં આવેલી છે.