Skip to content

Search

Latest Stories

સ્ટીમ્યુલસ અંગે કોંગ્રેસ પાસેથી વધુ પગલાંની વિવિધ ગ્રુપ્સની માગણી

રાજકીય મતભેદો ભૂલી બિલને મંજૂરી આપવા કોંગ્રેસને AHLA, USTAનો અનુરોધ

કોવિડ-19 મહામારીની આર્થિક અસરનો સામનો કરી રહેલી હોટેલ્સ માટે વધુ સરકારી સહાય માટે પગલાં લેવાની કોંગ્રેસની નિષ્ફળતાની અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને ટીકા કરી છે. આ અંગે ચિંતા વ્યક્ત કરનારા તેઓ એકલા નથી.

AHLAના CEO ચિપ રોજર્સે એક ટ્વીટ કરીને જણાાવ્યું હતું કે “આપણા જાહેર સેવકો તેમને પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકનારા લોકો કરતાં તેમના પોતાના જોબની સુરક્ષા અંગે વધુ કાળજી લઈ રહ્યા છે તે બદલ અમે પુરતી હતાશા પણ વ્યક્ત કરી શકતા નથી.”


30 સપ્ટેમ્બરે બીજા 200 ગ્રુપ્સ સાથે હાથ મિલાવીને AHLAએ કોંગ્રેસને એક પત્ર પાઠવીને અનુરોધ કર્યો હતો કે સાંસદો ચૂંટણીપ્રચાર માટે વોશિંગ્ટનમાંથી રજા ઉપર જાય તે પહેલાં તેમણે નવા સ્ટીમ્યુલસ પેકેજને બહાલી આપવી જોઇએ.

સાંસદો આ અંગે પગલાં લેવામાં નિષ્ફળ રહેશે તો લાખ્ખો કામદારોને ફર્લો પર ઉતારી દેવા પડશે અથવા તેમને છૂટા કરાશે, એમ પત્રમાં જણાવાયું હતું. આ કામદારો અને બીજા લોકો તેમના મહામારી સંબંધિત બેરોજગારી ઇન્શ્યોરન્સના લાભ પણ ગુમાવશે અને તેમને નોકરી પર રાખનારી કંપનીઓ કદાચ સદાને માટે બંધ થઈ જશે. ટેક્સની આવકમાં ઘટાડાને કારણે રાજ્ય અને સ્થાનિક સરકારોએ મહત્ત્વની સર્વિસિસમાં કાપ મૂકવો પડશે, એમ AHLAએ જણાવ્યું હતું.

રોજર્સે જણાવ્યું હતું કે “રાજકારણ ભૂલી જઈ સૌથી વધુ ફટકો પડ્યો છે તેવા ઉદ્યોગોના, ઘણા બિઝનેસ અને કર્મચારીઓની રોજગારીને અગ્રતા આપવાનો કોંગ્રેસ માટે આ સમય છે. લાખ્ખો નોકરીઓ અને દાયકાઓથી નાના બિઝનેસનું નિર્માણ કર્યું છે તેવા લોકોની આજીવિકા છીનવાઈ જશે, કારણ કે કોંગ્રેસ કોઇ પગલાં લઈ રહી નથી. અમેરિકાની હોટેલ ઇન્ડસ્ટ્રી પતનના આરે છે. હજારો નાના બિઝનેસ બંધ થઈ જાય અને તેની સાથે જોડાયેલી તમામ રોજગારી ઘણા વર્ષો સુધી બંધ થઈ જાય તેવું આપણને પોષાય નહીં.”

સપ્ટેમ્બરના મધ્યમાં યુએસ ટ્રાવેલ એસોસિએશનને કોંગ્રેસને એક પત્ર લખીને સ્ટીમ્યુલસ અંગે તાકીદે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. પ્રોત્સાહન પેકેજ અંગે પગલાં લેવામાં નહીં આવે તો વધુ રોજગારી બંધ થઈ જશે, એમ USTAએ જણાવ્યું હતું.

બે ઓક્ટોબરે USTAએ પગલાં લેવાની તેની માગણીનો પુનરુચ્ચાર કર્યો હતો અને કોવિડ રીલીફ નાઉ કોલિએશનની જાહેરાત કરી હતી.

USTAએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે “આજનો નિરાશાજનક જોબ રીપોર્ટ એ વાતનો વધુ પુરાવો છે કે સર્વગ્રાહી કેન્દ્રીય સહાય વગર આપણા અર્થતંત્રની મુશ્કેલી ચાલુ રહેશે અને હાલમાં સહાય આપવામાં નહીં આવે તો સંપૂર્ણ આર્થિક રીકવરી ઘણા વર્ષો સુધી વિલંબમાં મુકાશે. બિઝનેસ, કામદારો અને સ્થાનિક સરકારોને તાકીદે વધુ સહાયની જરૂર છે. આ જરૂરિયાત માત્ર એ બિલથી પૂરી કરી શકાશે કે જેને બંને પક્ષોએ ડીલ કરીને તૈયાર કર્યું છે અને બંને ગૃહમાં તેને બહાલી આપવામાં આવે.”

More for you