એએએચઓએના વાઈસ ચેરમેન વિનય પટેલ યુએસ ટ્રાવેલ અને ટુરિઝમ એડવાઈઝરી બોર્ડમાં બે વર્ષ માટે નિયુક્ત થયા

એએએચઓએના વાઈચ ચેરમેન વિનય પટેલ યુએસ ટ્રાવેલ અને ટુરિઝમ એડવાઈઝરી બોર્ડમાં બે વર્ષની મુદત માટે નિયુક્ત થયા છે. બોર્ડ ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગે સામનો કરવા પડતાં મુદ્દાઓ પર કોમર્સ સેક્રેટરીને સલાહ આપશે.

વર્તમાન કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસે ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ અને સંસ્થાઓમાંના પ્રતિનિધિ તરીકે બોર્ડના 32મા સભ્ય તરીકે વિનય પટેલની નિમણૂક કરી છે. પટેલ વર્જિનિયાના ચેન્ટિલી ખાતે ફેરબ્રૂક હોટેલ્સના પ્રમુખ પણ છે, જે 11 પ્રોપર્ટીસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે તેમજ તેઓ શિક્ષણ, નેટવર્કિંગ અને મેન્ટરશિપ મારફત મહિલાઓને હોટેલની માલિક બનવા પ્રોત્સાહન આપતી સંસ્થા ‘શી હેઝ અ ડીલ’ માટેના સલાહકાર બોર્ડમાં પણ સ્થાન ધરાવે છે.

પટેલે જણાવ્યું હતું કે, ‘આપણો દેશ કોવિડ-19 મહામારીમાંથી બેઠો થઈ રહ્યો છે ત્યારે આપણા અર્થતંત્રના સુધારામાં પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આપણા દેશ અને આપણા ઉદ્યોગ માટે આ અત્યંત મહત્વના સમય દરમિયાન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એડવાઈઝરી બોર્ડમાં સેવા આપવા માટે પસંદગી થતાં હું સન્માનની લાગણી અનુભવું છું.’

આ વર્ષના પ્રારંભમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એડવાઈઝરી બોર્ડે કોવિડ-19 મહામારીના પગલે પ્રવાસન ઉદ્યોગમાં ફરીથી ગ્રાહકોનો આત્મવિશ્વાસ લાવવા કામ કર્યું હતું. તેની ભલામણોમાં વધુ સહાય પૂરી પાડવી, બીમારી માટે ટેસ્ટિંગમાં ગતિ લાવવી, પ્રવાસન ઉદ્યોગના માપદંડોમાં જાહેર સ્વાસ્થ્ય નીતિઓનું વધુ સારી રીતે એકીકરણ કરવું અને પ્રવાસીઓને પુનઃખાતરી આપવા કોમર્સ વિભાગની શ્રેણીબદ્ધ પહેલોના અમલનો સમાવેશ થાય છે.

બોર્ડે તેની ભલામણોમાં જણાવ્યું હતું કે, ‘કોવિડ-19ના કારણે જાહેર સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમો ઊભા થતાં પ્રવાસમાં લોકોનો વિશ્વાસ નબળો થયો છે. અમેરિકનોએ પ્રવાસ માટેના બધા જ પ્લાન્સ રદ કર્યા છે અને તેમનો આત્મવિશ્વાસ પાછો ફરે ત્યાં સુધી ભવિષ્યના પ્રવાસ માટેના પ્લાન્સ પણ વિલંબમાં મુકાય તેવી સંભાવનાઓ છે. તાજેતરના સંશોધનો સૂચવે છે કે સ્વચ્છતા અંગેના સક્રિય પગલાં, પ્રતિષ્ઠિત મેડિકલ ઓથોરિટીસ અને ફેડરલ સરકારની ખાતરી ગ્રાહકોને સર્વોચ્ચ સ્તરનું આશ્વાસન આપશે.’

પટેલે વર્જિનિયા હોસ્પિટાલિટી અને ટુરિઝમ એસોસિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ સેવા આપી છે અને તેઓ હેર્ન્ડોન હોસ્પિટાલિટી એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે. અગાઉ તેમણે એએચએલએ અને વર્જિનિયાના લૌડૌન, કન્વેન્શન વિઝિટર્સ બ્યુરોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ સેવા આપી છે.

એએએચઓએના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટેટોને જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારીની શરૂઆતના સમયથી જ હોટેલ ઉદ્યોગ પર કોવિડ-19ની અસર જોવા મળી છે. ઓક્યુપન્સી રેટ અને આવકમાં ક્રમિક ઘટાડાના પગલે ઉદ્યોગ 2023 સુધી પુનઃ બેઠો નહીં થઈ શકે તેવી સંભાવનાઓ વધી ગઈ છે. એએએચઓએએ બોર્ડમાં વિનયની નિમણૂકને આવકારી છે. તેમનો અનુભવ અને આંતરસૂઝ રીકવરી અને તેનાથી આગળના સમય દરમિયાન પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગ અંગેની ચર્ચામાં મૂલ્યવાન પુરવાર થશે.’