કેન્ટુકીના હોટેલિયર ચક્રવાતના આંતકવાળી રાત નહીં ભૂલે

આહોઆના સભ્યો અસરગ્રસત વિસ્તારોમાં મદદ મોકલવાની તૈયારીમાં લાગ્યા

0
1284
કેન્ટુકીના મેફિલ્ડ વિસ્તારમાં આવેલી ધી કાર્ડિનલ મોટેલને તાજેતરમાં ઉપરાઉપર ત્રાટકેલા ચક્રવાતમાં ભારે નુકસાન પહોંચ્યું છે. શનિવારે વિસ્તાર સાથે ટકરાયા પહેલા ચક્રવાતે આ નુકસાન કર્યું છે. છેલ્લાં 22 વર્ષથી મોટેલ ચલાવનારા માલિક પરેશ દેસાઈ તે સમયે પરિવાર સાથે હોટેલમાં હતા, આ સહુનો આબાદ બચાવ થયો છે. મોટેલ જેના નામથી છે તે સ્ટેચ્યુ ઓફ કાર્ડિનલ પણ વાવાઝોડામાં બચી જવા પામ્યું છે.

રાત્રે 1 વાગ્યાના સમય હતો અને પરેશ દેસાઈ તથા તેમનો પરિવાર તે સમયે કેન્ટુકીના મેફિલ્ડમાં આવેલી તેમની મોટેલ કાર્ડિનલમાં આવેલા તેમના એપાર્ટમેન્ટમાં પથારીમાં ઘસઘસાટ ઉંઘી રહ્યા હતા. તેઓ છેલ્લાં 22 વર્ષથી અહીં રહે છે. એક કલાક બાદ એકાએક તેમના જીવનમાં ઘમાસણ મચે છે અને અત્યાર સુધીનું સૌથી તોફાની ચક્રવાત તેમની સમગ્ર ઇમારતને હચમચાવી નાખે છે.

આ તોફાન, કે જેના કારણે પાંચ રાજ્યોમાં 88થી વધુ લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. આ ચક્રવાત-તોફાન કોઇપણ પૂર્વ ચેતવણી વગર ત્રાટક્યું હતું તેમ દેસાઈ કહે છે. તેઓ તે સમયે સાત મહિનાનો ગર્ભ ધરાવતી તેમની પત્ની મિતાલી સાથે હતા. તે સમયે તેમની 16 વર્ષની દીકરી અને તેમના માતા-પિતા (ઉંમર અંદાજે 70 વર્ષ) પણ સાથે હતા.

 એકાએક અંધકારમાંથી તે ત્રાટક્યો

1.30 કલાકે, દેસાઈને ગંભીર હવામાન અંગે સાવચેત રહેવાનો સંદેશો મળ્યો, તેઓ એકદમથી જાગી ગયા અને તેમણે જોયું કે તોફાન વધ્યું છે. તેમણે તરત જ પરિવારના અન્ય સભ્યોને જગાડ્યા. સૌથી પહેલા તેમણે પત્નીને જગાડી હતી.

તેમણે કહ્યું કે મારી પત્ની પથારીમાંથી ઉભી થઇને નીચે ઉતરે ત્યાં સુધી તો મેં મારી દીકરીઓને તેમના રૂમમાંથી બહાર કાઢી લીધી કારણ કે છત ઉડી ગઇ હતી.

હોટેલની બારીઓ ખુલી ગઇ હતી અને તેમાંથી વરસાદની ઝાપટો અંદર આવી રહી હતી.  દેસાઈના માતાપિતા પણ અન્ય રૂમમાં હતા અને તેની છતને પણ અસર પહોંચી હતી.

દેસાઈ કહે છે કે મારા ભાગની આખી છત ઉડી ગઇ હતી, અમે આખા ભિંજાઈ ગયા હતા. એક તો ભારે વરસાદ અને તેમાં પણ જોરદાર ફૂંકાતો ઠંડો પવન. મેં 911 પર ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. અમે ખરેખર ખૂબ ગભરાઈ ગયા હતા અને તે સમયે અમને કાઈ સમજાતું નહોતું કે શું કરવું અને શું ના કરવું.

દેસાઈએ આખરે મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરી અને તેમણે પત્ની અને દીકરીઓને સલામત રીતે બાથરૂમ સુધી પહોંચાડી જેથી તેમને કોઇ નુકસાન ના પહોંચે. તેમણે ત્યાંથી પસાર થઇ રહેલા એક પોલીસ ઓફિસરને રોક્યા અને જણાવ્યું હતું કે તેઓ મોટેલમાં રોકાયેલા તેમના આઠ ગેસ્ટને પણ મદદ કરે.

પછી તેમણે સાત માઇલ દૂર રહેનાર પોતાની બહેનને ફોન કર્યો કારણ તે તોફાન વધી રહ્યું હતું.

મારી ભત્રીજી અને મારા બનેવી તરત દોડી આવ્યા. તેઓ સલામત એવા પાછળના રસ્તેથી મારા ઘરે આવ્યા અને પોતાનો પિકઅપ ટ્રક મારે ત્યાં મુકીને આડશ તરીકે તેનો ઉપયોગ કર્યો. ત્યાર પછી અમને સહુને બહાર કાઢ્યા, તેમ દેસાઈએ કહ્યું હતું. અમે સહુ ભારે વરસાદ વચ્ચે બહાર નિકળ્યા અને જેમતેમ કરીને તેમના પિકઅપ ટ્રક સુધી પહોંચ્યા હતા. તેમાં બેસીને અમે મારી બહેનના ઘરે પહોંચ્યા હતા.

હવે દેસાઈ પોતાની વીમા કંપની સાથે નુકસાનનું વળતર મેળવવા માટે કામગીરી કરી રહ્યાં છે, કારણ કે નુકસાન વધારે થયું છે. હોટેલનો એક ભાગ હજુકોઇ નુકસાન વગર ઉભુ છે.

મદદની તૈયારી

દેસાઈની પરિસ્થિતિની જાણ મિડ-સાઉથ રીજીયનના આહોઆના હરીકૃષ્ણ ‘એચકે’ પટેલને પણ થઇ હતી. પટેલે કહ્યું કે આહોઆના સભ્યો દેસાઈ સહિતના અન્ય અસરગ્રસ્તોની મદદ માટેની તૈયારી કરી રહ્યા છે.

‘હું પ્રયાસ કરી રહ્યો છું કે પાણી, પેપર પ્રોડક્ટ, ગેલન બાર્સ, ભોજન અને તેમને જરૂર પડે તેવી તમામ વસ્તુઓ અત્યારે અમે ટ્રકમાં ભરી રહ્યાં છીએ,’ તેમ પટેલે સોમવારે કહ્યું હતું. આજે લગભગ હું આખો ટ્રક રાહત સામગ્રીથી ભરી લઇશ.

આહોઆની ક્ષેત્રિય ટીમ ફર્સ્ટ એઇડ કીટસ. ધાબળા અને અન્ય અંગત વપરાશની વસ્તુઓઓ એકત્ર કરવાની સાથે ખરીદી પણ કરી રહ્યા છે. અગાઉ આહોઆ દ્વારા વેસ્ટર્ન કેન્ટુકી ટોર્નાડો રિલીફ ફન્ડ માટે TeamWKYReliefFund.ky.gov ખાતે મદદ પહોંચાડવા અપીલ કરી હતી.

આહોઆના જે સભ્યો મદદ કરવા ઇચ્છતા હોય તેઓ એચકે પટેલનો 937-524-6951 અથવા  [email protected] ખાતે સંપર્ક કરી શકે છે.

તમને તોફાનથી અસર થઇ છે કે નુકસાન પહોંચ્યું છે કે મદદની જરૂર છે તે તમે જ્યાં સુધી નહીં જણાવો ત્યાં સુધી અમને જાણ નહીં થાય. અમે સહુ અસરગ્રસ્તોની સાથે છીએ, આહોઆ તેમની મદદ માટે તૈયાર છે.