પૂર્વોત્તરમાં ઈડા વાવાઝોડું ત્રાટક્યું, 50થી વધારેનાં મોત

હોટેલ માલિકોને વાવાઝોડા પછી હવે વીમા કંપની સાથે પણ લડત કરવી પડશે

0
94
હરિકેન ઈડાને પગલે સર્જાયેલા વાવાઝોડાથી ન્યુજર્સીના મુલિકા હિલ વિસ્તારમાં નુકસાન થયેલ ઘર. ઈડાને કારણે સમગ્ર ન્યુયોર્ક સિટી અને આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેને કારણે 50થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તસવીર બ્રાન્ડન ઈસ્ટવૂડ દ્વારા સૌજન્ય એએફપી અને ગેટ્ટી ઈમેજીસ.

પ્રેસિડેન્ટ જો બાઇડને અમેરિકામાં ઈડા વાવાઝોડાને કારણે જે વિસ્તારોમાં સૌથી વધુ જાન-માલનું નુકસાન પહોંચ્યું છે તેમને ફેડરલ સરકારની સહાય આપવાની ખાતરી આપી છે. ગલ્ફ કોસ્ટ અને નોર્થઈસ્ટના વિસ્તારોમાં ઈડાએ સૌથી વધુ તારાજી સર્જી છે. હવે જ્યારે હોટેલવાળાઓ અને અન્ય જનજીવન થાળે પડી રહ્યું હતું ત્યાં વાવાઝોડાથી તબાહી મચી છે. હવે રાજ્યો સામે પુનઃનિર્માણ સહિતના પડકારો ઉભ થયા છે.

ઈસ્ટ કોસ્ટ વિસ્તારમાં મરણાંક 46થી વધારે થયો છે, જ્યારે અન્ય છ વ્યક્તિ ન્યુજર્સી ખાતેથી ગૂમ થઇ હોવાનું જાણવા મળે છે. ઈડાને કારણે ઈન્ડિયન અમેરિકન ધનુષ રેડ્ડી, 31,નું પણ એડિશન, ન્યુજર્સી ખાતે મોત થયું હતું. પૂરના પાણીમાં અટવાઇ જવાને પગલે તેણે પોતાનો જીવ ગૂમાવ્યો હતો. રાજ્યમાં થયેલા કુલ મરણનો આંક 25 થયો છે. વાવાઝોડાને કારણે હોટેલ સહિતની ઇમારતોને પણ ભારે નુકસાન થયું છે.

બાઇડને શુક્રવારે વાવાઝોડાથી અસરગ્રસ્ત લાપ્લેસ, લૂઇસિયાનાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની મુલાકાત દરમિયાન ખાતરી આપી હતી કે તેઓ રાજ્ય સરકારોના સીધા સંપર્કમાં છે અને આવી કુદરતી આપત્તિના સમયે નાગરિકોને રાહત અને બચાવ કામગીરીમાં સંપૂર્ણ સહકાર અપાશે.

પ્રેસિડેન્ટે કહ્યું હતું કે મિત્રો, હું જાણું છું કે તમને ગંભીર અસર પહોંચી છે, વિશ્વાસ રાખો, અમે અહીં તમારી સાથે જ છીએ, કોઇ ચિંતા ના કરતાં. તેમણે ઉમેર્યું હતું કે, અમે અમેરિકન્સ છીએ અને સાથે મળીને આ પડકારનો સામનો કરીશું.

વાવાઝોડાં પછીની લડત

ન્યુજર્સીના હોટેલમાલિકોને લાગી રહ્યું છે કે તેમને વાવાઝોડાની અસર પછી વીમા કંપનીઓ સાથે વળતર મુદ્દે લડત કરવી પડશે જેથી તેઓ ફરીથી સંચાલન શરૂ કરી શકે. ન્યુજર્સીના ઓલ્ડ બ્રિજની જીએચએમ પ્રોપર્ટીઝના રીચ ગાંધીએ કહ્યું હતું કે તેમણે વીમા કંપની સામે દાવો માંડવા એટર્ની રોક્યા છે પરંતુ વીમા કંપની તરફથી તેમને કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી.

અમને મૂશળધાર વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. અમારી અનેક સંપત્તિઓને આ વાવાઝોડાથી નુકસાન થયું છે. હવે અમારી વીમા કંપનીઓ સામે લડાઈ લડવાની છે કારણ કે તેઓ અમને વળતર ચૂકવશે નહીં, તેમ ગાંધીએ કહ્યું હતું.

કોવિડ મહામારીમાંથી માંડ માંડ ફરી શરૂ થયેલા હોટેલ ઉદ્યોગ સામે અનેક પડકાર છે ત્યારે વાવઝોડાંને કારણે પડતા પર પાટું પડ્યું છે. હવે હોટેલ સંપત્તિના સંચાલન માટે વળતર મેળવવા વીમા કંપનીઓ સામેની લડતનો પણ તેમણે સામનો કરવાનો રહશે.

અનેક કારણે જવાબદાર

વાવાઝોડાંને કારણે ગવર્નર ફિલ મર્ફીએ નાના વેપારીઓ માટે 10 મિલિયન ડોલરની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાંને કારણે અસર પામેલા નાના ધંધાર્થીઓને વચગાળાની રાહત તરીકે પાંચ હજાર ડોલર સુધીની આર્થિક મદદ મળી શકશે.

ધી ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ફેડરલ ઇમરન્સી એઇડ હવે ન્યૂજર્સી સહિતના રાજ્યો માટે ઉપલબ્ધ છે. આવી આપત્તિના સમયે અસરગ્રસ્તોને હરિકેન ઈડાને કારણે પહોંચેલા નુકસાનથી તાત્કાલિક મદદ તરીકે આ સહાય મળશે.

ન્યુઓર્લિઅન્સ વિસ્તારના હોટેલ માલિક વિમલ પટેલ કે જેઓ લાપ્લેસ, લુઇસિયાનાસ્થિત ક્યુહોટેલ્સ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ છે તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડા ઈડાને કારણે તેમને હરિકેન કેટરીનાએ મચાવેલી તારાજીની યાદ આવી ગઇ હતી.