કોવિડ-19ના પગલે આવેલી મંદીમાંથી રીકવરીનો આરંભ ત્રીજા ક્વાર્ટરમાં થશેઃ સીબીઆરઈ

સંપૂર્ણ રીકવરી 2023 કે 2024માં થવાની ધારણા

0
894
સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ અને કેલિબ્રિ લેબ્સની આગાહી મુજબ ત્રીજા ક્વાર્ટરથી અમેરિકાના હોસ્પિટાલિટી ઉદ્યોગના કામકાજમાં એકધારો સુધારો શરૂ થશે અને 2023 સુધીમાં તે કોવિડ-19 પહેલાના લેવલે પહોંચી જશે

કોવિડ-19 સંબંધિત મંદીના મહિનાઓ પછી, અમેરિકાની હોટેલ્સ હવે એ મંદીમાંથી બહાર નિકળવાના માર્ગે આગળ વધતા હોવાના સંકેતો મળી રહ્યા છે, એમ સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ એન્ડ કેલિબ્રિ લેબ્સે જણાવ્યું છે. એ રીકવરીની શરૂઆત ત્રીજા ક્વાર્ટરમાં થશે અને ત્રણ વર્ષમાં એ પૂર્ણ થશે.

બીજા ક્વાર્ટરમાં, હોટેલ્સમાં ઓક્યુપન્સીમાં ગયા વર્ષની તુલનાએ 60 ટકાનો ઘટાડો થયો હતો અને તે ફક્ત 28.3 ટકા રહી હતી. આવા અચાનક અને તીવ્ર ઘટાડાના પગલે અમેરિકાની લગભગ 15 ટકા હોટેલ્સને ક્વાર્ટરના કેટલાક સમયગાળા માટે તો બંધ રહેવાની ફરજ પડી હોવાનું સીબીઆરઈની હોટેલ્સ હોરાઈઝન્સની બીજા ક્વાર્ટરની આવૃત્તિમાં જણાવાયું છે.

સીબીઆરઈના સિનિયર ડાયરેક્ટર જેમી લેનના કહેવા મુજબ, “અમેરિકન હોટેલિયર્સ માટે સદનસીબે, આ ક્વાર્ટરમાં જ માર્કેટ રીકવરીના સંકેતો ઝબકવા લાગ્યા હતા. એપ્રિલમાં સ્થિતિ સૌથી ખરાબ, તળિયે હતી. તે પછી મે અને જુનમાં લોજીંગની માંગમાં 83 ટકાનો વધારો થયો હતો. હોમ ક્વોરન્ટાઈનના બંધનોમાં નિકળી સુરક્ષિત અને આરોગ્યપ્રદ ગ્રામિણ તથા રીસોર્ટ ડેસ્ટિનેશન્સની શોધમાં નિકળી પડેલા લીઝર પ્રવાસીઓએ માંગમાં આ વૃદ્ધિ ઉભી કરી હતી.”

સીબીઆરઈની ધારણા છે કે, ઉદ્યોગમાં 2020ના બાકીના વર્ષમાં સતત સુધારો થતો રહેશે અને પછીના બે કે ત્રણ વર્ષ સુધી પણ એ વલણ ચાલુ રહેશે, 2022 સુધીમાં અપર મિડલ સ્કેલ હોટેલ્સ માટે કામકાજ 2019ના સ્તરે પહોંચવાની ધારણા છે, તો લક્ઝરી તેમજ અપર-અપસ્કેલ હોટેલ્સ માટે તે 2024માં પહોંચવાની ધારણા છે. 2020 માટે ઓક્યુપન્સી સરેરાશ 39.8 ટકા અને એડીઆર $104.10 રહેવાની ધારણા છે, જેના પગલે વાર્ષિક $41.46 રહેવાની અપેક્ષા છે, જે 2019ના $87.22 કરતાં 52.5 ટકા ઓછો છે.

લેને વધુમાં જણાવ્યું હતું કે, “અમેરિકામાં લોજીંગની માંગમાં આગામી ચાર વર્ષના ગાળા માટે વાર્ષિક 14.1 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થવાનો અંદાજ છે.”

સીબીઆરઈના સિનિયર અર્થશાસ્ત્રી બ્રામ ગાલાઘરના કહેવા મુજબ રીકવરીના આકારને પ્રભાવિત કરનારા અનેક આર્થિક, સામાજિક તેમજ સંચાલન સંબંધી પરિબળો છે.

ગાલાઘરે જણાવ્યું હતું કે, “વિતેલા ત્રિમાસિક ગાળામાં આપણે સમગ્ર અમેરિકામાં કોવિડ-19ના ચેપનો ભૌગોલિક રીતે સ્ટેગર્ડ રેટ નિહાળ્યો. આ કારણોસર, સીબીઆરઈના અંદાજો છે કે, પ્રારંભિક સ્તરે ધારણા હતી તેના કરતાં આર્થિક સાઈકલ ઓછી ગહનતાવાળી રહેશે અને તે પછી રીકવરીનો માર્ગ લાંબો રહેશે. એના પગલે, અમારી લોજીંગની માંગમાં વધારા માટેની આગાહી જે 2022 માટેની હતી, તે હવે 2023ની થઈ છે.”

આ ધારણા એસટીઆરની આ અગાઉ કરાયેલી આગાહીની ખૂબજ નજીક છે, જેમાં હોટેલ્સની કામગીરી 2019ના સ્તરે પાછી પહોંચતા 2023 આવી જવાનું દર્શાવાયું હતું.

હોટેલ હોરાઈઝન્સના રીપોર્ટ્સ માટે પરફોર્મન્સ ડેટા પુરા પાડવા સીબીઆરઈએ કેલિબ્રિ લેબ્સ સાથે તાજેતરમાં જ ભાગીદારી કરી હતી. કેલિબ્રિ લેબ્સ સમગ્ર અમેરિકામાં લગભગ ત્રણ મિલિયનથી વધુ ગેસ્ટ રૂમ્સ ધરાવતી 34,500 હોટેલ્સ પાસેથી રોજેરોજના ધોરણે ટ્રાન્ઝેક્શન્સના ડેટા કલેક્ટ કરે છે.