આહલાઃ મોટાભાગના નાગરિકો થેન્ક્સગિવિંગ અને ક્રિસ્ટમસ પ્રસંગે ફરવા નહીં નિકળે

ઈંધણના વધી રહેલા ભાવ અને રોગચાળાની ભીતિથી પ્રવાસ આયોજન પર અસર

0
739
અમેરિકામાં આ વખતે થેન્ક્સગિવિંગ પ્રસંગે 29 ટકા નાગરિકો અને ક્રિસ્ટમસ સમયે 33 ટકા લોકો જ ફરવા નિકળશે તેમ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું. જોકે 2020ની સરખામણીએ તેમાં અનુક્રમે 21 ટકા અને 24 ટકાનો વધારો થયો છે.

કોવિડ-19 મહામારીનો ભય હવે ઘટી રહ્યો છે, પરંતુ બીજા અનેક કારણોસર આ વખતે રજાઓના સમયે મોટાભાગના નાગરિકોને ઘરે રહેવાનું પસંદ કરશે તેમ ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન અને મોર્નિંગ કનસલ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. વધી રહેલી ગેસની કિંમતો આ વખતે થેન્ક્સગિવિંગ અને ક્રિસ્ટમસ પ્રવાસ સમયે બહાર નિકળનારાઓની સંખ્યાને અસર કરશે.

આહલાના સર્વેમાં જણાયું છે કે અમેરિકામાં થેન્ક્સગિવિંગ સમયે 29 ટકા નાગરિકો અને ક્રિસ્ટમસમાં 33 ટકા લોકો બહાર ફરવા નિકળવાનું પસંદ કરશે. 2020ની સરખામણીએ તેમાં સામાન્ય વધારો છે. સર્વે હેઠળ તારીખ ઓક્ટોબર 30થી નવેમ્બર એક દરમિયાન પુખ્તવયના 2200 લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

હવે જ્યારે વેક્સિનવાળા લોકો છુટથી બહાર હરીફરી શકે તેમ છે ત્યારે ગેસની વધતી કિંમતો અને રોગચાળા અંગે નાગરિકોમાં વધી રહેલી સતર્કતા અને ભીતિને કારણે મોટાભાગના  અમેરિકાના લોકો આ વખતે રજાઓમાં બહાર ફરવા નિકળવા અંગે તૈયાર નથી, તેમ આહલાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું. આ વર્ષે ભલે પ્રવાસને અનુકૂળ વાતાવરણ હોય પરંતુ હોટેલવાળાઓને તો હજુ આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે તેમ છે.

પ્રવાસનું આયોજન કરનારાઓમાંથી મોટાભાગના લોકો, કે જેમાંથી થેન્ક્સગિવિંગ દરમિયાન 68 ટકા લોકો અને ક્રિસ્ટમસ સમયે 64 ટકા લોકો ડ્રાઇવિંગ કરીને ફરવા નિકળવાનું પસંદ કરશે તેમ સર્વેમાં જાણવા મળ્યું છે. થેન્ક્સગિવિંગ સમયે અને ક્રિસ્ટમસ દરમિયાન ક્રમશઃ11 ટકા અને 14 ટકા લોકો વિમાની મુસાફરી કરવાનું પસંદ કરી શકશે તેમ સર્વેમાં જાણવા મળ્યું છે.

દરમિયાન, ગેસની વધતી કિંમતોને કારણે 52 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ઓછો પ્રવાસ કરશે અને 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ટૂંકી મુસાફરી કરવાનું પસંદ કરશે. મોટાભાગના લોકો પોતાના મિત્રો કે પરિવારજનોને મળવા માટે જવાનું પસંદ કરશે.

આ વર્ષે 58 ટકા લોકો એવી મુસાફરી કરવાનું પસંદ કરશે કે જ્યાં સુધી તેઓ વાહન ચલાવીને પહોંચી શકે તેમ છે. 48 ટકા લોકો ભાગ્યે જ બહાર નિકળવાનું પસંદ કરશે અને 46 ટકા લોકો ટૂંકા અંતરની મુસાફરી કરવાનું પસંદ કરશે. જેમના સંતાનો 12 વર્ષથી નીચેના છે તેવા 41 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે બાળકો માટેની વેક્સિનને લઇને તેઓ બાળકોને લઇને બહાર ફરવા જવાનું વિચારશે.

તેનાથી વિપરિત, તાજેતરમાં એએએ અને મોટેલ 6 દ્વારા બહાર પડાયેલા એક અહેવાલમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે થેન્ક્સગિવિંગની રજાઓ દરમિયાન મોટાભાગના લોકો બહાર ફરવા નિકળી પડશે.