ઓયો હોટેલ્સ અમેરિકામાં કેટલાક કર્મચારીઓને છૂટા કરશે અથવા લાંબી રજા પર મોકલશે

ભારત સરકારને આપેલી ખાતરી મુજબ શટડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇને છૂટા કરશે નહીં

0
1399
ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સના સ્થાપક અને સીઇઓ રીતેશ અગ્રવાલે 8 એપ્રિલે જાહેર કર્યું છે કે, કોરોનાની પરિસ્થિતિને કારણે અર્થતંત્ર નબળું પડતાં અમેરિકામાં કંપનીના કેટલાક કર્મચારીઓને છૂટા કરાશે અથવા તો પગાર વિના 60થી 90 દિવસ સુધીની રજા પર મોકલાશે.

ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સ દ્વારા કોરોનાની કટોકટીને કારણે અર્થતંત્ર નબળું પડતાં અમેરિકામાં કંપનીના કર્મચારીઓને છૂટા કરાશે અથવા પગાર વિના 60થી 90 દિવસ સુધીની રજા પર મોકલાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ભારતમાં જ્યાં સુધી લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે નહીં, આ ખાતરી ભારત સરકારને આપવામાં આવી છે.

ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સના સ્થાપક અને સીઇઓ રીતેશ અગ્રવાલે 8 એપ્રિલે વીડિયો મેસેજમાં અને કર્મચારીઓને તથા અન્ય તમામ હિતધારકોને પત્ર દ્વારા લાંબી રજા પર જવાનું જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, કંપનીની આવક 50થી 60 ટકા ઘટી ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘કોરોના વાઇરસને કારણે અર્થતંત્ર પર નાટકીય અસર ઊભી થઇ છે અને હું સમજું છું કે, તેની દરેક ઉદ્યોગ પર અસર થઇ છે. આમ છતાં, આપણી ટ્રાવેલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી કરતા અન્ય ઉદ્યોગો ખરાબ રીતે અસર પામ્યા હોય તેની હું કલ્પના નથી કરી શકતો.’

તેમણે જણાવ્યું હતું કે, ‘આ મહામારી કંપની માટે અનોખા સમયે આવી છે. જાન્યુઆરીમાં ઓયોમાં મોટા ફેરફાર થયા હતા, પરંતુ અગ્રવાલ કહે છે કે, તેમનો ઇરાદો એ વખતે નહીંવત લોકોને છૂટા કરવાનો હતો, જે ફરજિયાત હતું. પરંતુ આ જ સમયે, મારા અને આપણી અન્ય ટીમનું નેતૃત્ત્વ કરનાર માટે એ મહત્ત્વનું છે કે, લાંબા સમયની સફળતા નિશ્ચિત કરવા માટે સાચા નિર્ણયો લેવા જરૂરી હતા. આ ઉપરાંત કંપની માટે લાંબો સમય યોગ્ય રહે તેવા નિર્ણયો જરૂરી છે.’ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘વિશ્વભરમાં ઓયો સાથે જોડાયેલા મોટાભાગના લોકોને હંગામી રજાઓ પર અથવા ઓછામાં ઓછી 60થી 90 દિવસની રજા પર મોકલવામાં આવ્યા છે, જેની વિગત જે તે દેશમાં હ્યુમન રીસોર્સીઝ ટીમ પાસે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.’

અગ્રવાલે તેમનો પોતાનો આ વર્ષના બાકીના મહિનાનો સંપૂર્ણ પગાર નહીં લેવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ ઉપરાંત કંપનીએ કોરોનાથી પ્રભાવિત, ઓયો સાથે સંકળાયેલા તમામ ભાગીદારોના કર્મચારીઓને મદદ માટે ઓયો વેલ્ફેર ફંડ પણ ઊભું કર્યું છે. ભારતસ્થિત કંપનીના વેલ્ફેર ફંડમાંથી આવેલા નાણા, જેમાં ઓયોના માલિકો અને કર્મચારીઓએ ફાળો આપ્યો છે, તેનો ઉપયોગ ઓયો હોટેલ્સની આજુબાજુ આવેલા સમુદાયોને મદદ કરવામાં થશે. કંપની 3.5 મિલિયન ડોલર કોરોના વાઇરસ સામે લડવા માટે દાનમાં આપશે. કંપનીએ 24 માર્ચના રોજ જાહેરાત કરી હતી કે, તેની તમામ હોટેલ્સમાં કોરોના માટે કાર્યરત મેડિકલ કર્મચારીઓને નિશૂલ્ક રહેવા માટે આપવામાં આવશે.